કાઠીઓ નું કાઠીયાવાડ

  • Aug 01, 2023
  • કાઠીઓ નું કાઠીયાવાડ
    વૈદિક લોકો અને પર્સિયનો પોતાને આર્યન તરીકે ઓળખાવતા, આર્યન એટલે ઉમદા. પર્સિયા એટલે સમકાલીન ઈરાન અને ઈરાનનો મતલબ ‘આર્યોની ભુમી’ એવો થાય છે. લગભગ 3000 વર્ષો પૂર્વે આર્યોની ભૂમી મધ્ય એશિયાથી લઈને સમકાલીન રશિયા સુધી વિસ્તરેલી હતી. વીર આર્ય યોદ્ધાઓ સાથે અનેક કબીલાઓ સંસ્કૃતિક રીતે જોડાયેલા હતા, તેમાંનો એક કબીલો એટલે સીથીયન.
    સીથીયનોનું વિવરણ ઇતિહાસકાર શ્રી ગૌરીશંકર ઓઝા ‘રાજપૂતાને કા પ્રાચીન ઇતિહાસમાં’ વિવિધ દસ્તાવેજોની ખરાઈ કરીને કર્યું છે. તેઓ નોંધે છે કે JYOSE નામના ઈતિહાસકારે સીથીયનોને આર્ય કહ્યા છે, આ વાતની હામી હેરોડોટસ ભરે છે અને લખે છે કે સીથીયનો અને SARMATIANS (સરમાંટીયન્સ) આર્યોની ભાષા જ બોલતા. સીથીયનો સૂર્યદેવને અને દેવી અન્નપૂર્ણાને મુખ્યદેવો તરીકે પુજતા.
    માનવશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના તારણો અનુશાર યુદ્ધક્ષેત્રમાં ખુવાર થઈને ઉભરેલી જાતીઓમાં જાટ, ગુર્જર, આહીર અને લોહાર મુખ્ય હતા. જે આગળ જતાં કૃષી, કારીગરી અને કૌશલ્ય સાથે જોડાયેલા રહ્યા. સમય જતાં સીથીયનોએ દક્ષિણ એશિયાના ઉત્તર-પશ્ચિમ ભૂગોળમાં આવેલા પાંચ નદીઓના પાણીથી બનતા વિશાળ ફળદ્રુપ પ્રદેશમાં આવીને રાજ કર્યું અને મધ્ય એશિયામાં પોતાનો પ્રભાવ છોડ્યો. જેને આજે પંજાબ તરીકે ઓળખાય છે. સીથીયન સમુદાયની એક મુખ્ય જાતી એટલે જાટ. આગળ જતાં હિન્દુ જાટ, મુસ્લીમ જાટ અને પંજાબી જાટ એમ ત્રણ જુથો પડ્યા. પંજાબમાં ૪૦% થી વધુ લોકોના DNA સીથીયનો સાથે મેચ થાય છે. હિન્દુ જાટના લગભગ પાંચ હજાર જેટલા ગોત્ર છે. કઠ, કઠહર અને કાઠી હિન્દુ જાટ ગોત્રોના નામો છે.
    કાઠીઓ મુખમુદ્રા એ સર્વાનુમતે સીથીયનો હતા. ઘોડા અને ઘોડેસવારી પ્રત્યેનો વિશેષ પ્રેમ કાઠીઓની ઓળખ છે. ઘોડાના સંવર્ધન અને સવારીને એક અલગ જ કક્ષાએ વિકસીત કરનાર કાઠીઓ જ હતા, કાઠિયાવાડી ઘોડી હજુ પણ વિશ્વ વિખ્યાત છે. કાઠીઓ પોતાના હરેક કામમાં સુર્યદેવની સામે બે હાથ જોડીને ઉત્કંઠાથી અપાર શક્તિની યાચના કરે છે. શરૂઆતની સદીઓમાં કાઠીઓ થી વ્યાપેલો સૌરાષ્ટ્રની આસપાસનો પ્રદેશ જ કાઠીયાવાડ તરીકે ઓળખતો, પરંતુ આ શૂરવીર કોમ 17 મી સદી સુધીમાં એટલી પ્રખ્યાત થઈ કે સૌરાષ્ટ્રના પ્રાંતો કાઠીયાવાડમાં લુપ્ત થયા.
    સમગ્ર સૌરાષ્ટ્ર, કાઠીયાવાડ હોવા છતા દરેક ક્ષેત્ર મા કાઠી વિસ્તરેલા નથી, એમનો મોટાભાગનો વિસ્તાર પાંચાળ જે સૂર્ય ભુમી,સૌરાષ્ટ્રનુ કેન્દ્રબિંદુ,અશ્વ ને અનુકુળ આબોહવા અને ધરતી ધરાવે છે.
    પાણિની લીખિત સાહિત્ય અષ્ટાધ્યાયીમાં કાઠી પ્રજાતીનો ઉલ્લેખ છે. ઋષી કઠનો કઠોપનિષદમાં લેખક તરીકે ઉલ્લેખ છે. જેઓ કાઠી કુળના સર્વોચય વ્યક્તિ હતા. સિંધુખીણના દક્ષિણ પૂર્વ ભાગમાંથી ભારતના પશ્ચિમ દ્વીપકલ્પમાં વસેલા ,સ્વભાવે થોડા વધુ કઠોર અને વીરતા જેનો નૈતિક ગુણધર્મ છે તે કાઠીઓ ઘણી બાબતોમાં રજપૂતોથી અલગ પડે છે. કચ્છમાં ભૂરિયા બાવા તરીકે પ્રસિદ્ધ અંગ્રેજ કેપ્ટન મેકમર્ડો નોંધે છે કે 6 ફૂટ થી વધુ ઊચાઇ વાળો શસક્ત બાંધો, ભૂરા વાળ, નિલવર્ણી આંખો, મજબૂત હાડ, તેજસ્વી મુખ મુદ્રા, બહાદુર અને સખ્ત મિજાજી કાઠીઓ રજવાડી વેશભુષા અને ચાંચ વાળી પાઘડી પહેરતા, સંપીને રહેતા અને પોતાની લડાઈ પુરજોશમાં લડતા.
    લગભગ ઇસ. પૂર્વે બીજી સદીમાં કાઠીઓ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને ૮મી સદીમાં કાઠીઓએ ગુજરાતના દક્ષિણ પશ્ચિમ દ્વીપકલ્પને તાબે કર્યું હતું. સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડ કાઠીઓના મુખ્ય વિસ્તાર હતા. ૧૬મી સદી સુધી કાઠીયાવાડના બંદરો વેપાર અને વાણિજ્યના વિકસિત કેન્દ્રો હતા.
    ભારતની આઝાદી પછી ૧૯૪૮માં ૨૧૭ કાઠિયાવાડી રજવાડાઓ ભેગા ભળીને સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી હતી. 1881 થી લઈ 1889 સુધી, કાઠીયાવાડમાં રહીને બ્રિટિશ પોલિટિકલ એજન્ટની ભૂમિકા મુત્સદી પૂર્વક નિભાવનાર જહોન વૉટ્સને તેમની બુકમાં કાઠીઓની રીતભાત અને સંસ્કૃતિથી ખુબજ પ્રભાવિત થઈને કાઠીઓની જીવન શૈલી વિષે ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે.
    વિદ્યાશંકર ઈચ્છાશંકર દવે એ કાઠી કોમના વિરરસને છલકવતો નિબંધ ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજુ કરેલો. તેઓ અમુક અવતરણો ટાંકે છે કે, સૂર્યપૂજક, અશ્વ શોખ, ડાયરો, સમાન વ્યવહાર, માન વાચક શબ્દ પ્રયોજન, પરણોગત ધર્મ, કઠણ પથરી, હથિયારો તેમજ પિતાનું નામ આગળની પેઢીમાં પુનઃ પાડવું એ મુખ્ય હતું. કાઠીઓની આ અપાર સિધ્ધી પાછળ કાઠી વીરો, સંતો અને સતીઓનું બલિદાન અમર છે. સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપક સહજાનંદ સ્વામીને રાજ્યાશ્રય આપનાર કાઠીઓ જ હતા.
    કચ્છના જામ સાથેના સંઘર્ષ બાદ તેઓ પાંચાલ પ્રદેશમાં ઉતરી આવ્યા. સત્વ, શીલ, સમર્પણ, શૂરવીર અને બલીદાનથી ભરપૂર, અન્યાયના પ્રતીકારરૂપે બહારવટીયાઓની પરંપરા આપનાર કાઠીઓ જ હતા. અંગ્રેજ વિદ્વાન સર હેન્રી ન્યુ બોલ્ટ બહારવટીયાઓની પ્રતિભાને બીરદાવતા લખે છે કે, અનેક મુશ્કેલીઓમાં કાઠીઓનું જીવન ખમીરવંતું રહ્યું, હિંમત અને ઉદારતાથી ભરેલી એમની ઝીંદગી હતી. ન્યાયમૂર્તિ બીમન કહે છે કે આ જુના બહારવટીયાઓની અંદર પણ, સુંદરતા અને શૌર્ય ભર્યું હતું. બધા જુલમોથી છંછેડાઈને બહારવટે નીકળનારા બહાદુરો કાઠીઓ જ હતા. કાઠીઓની પ્રજાપાલક રાજવી તરીકેની છાપ, અશ્વઉછેર અને ગેરિલા યુદ્ધ પધ્ધતી બેજોડ મનાય છે. કળાવંત, કુળવંત કાઠિયાણીઓના આચરણ, મોતીભરત અને રસોઈકલા અદભૂત હોય છે.
    બહારવટીયાઓ વીશે સૌ પ્રથમ પુસ્તક લખનાર C.A. KINCAID ‘THE OUTLAWS OF KATHIAWAR’ માં નોંધે છે કે તેઓ કાઠીઓના અશ્વપ્રેમ થી ખુબજ પ્રભાવીત હતા. ઘોડે સવાર થઈને, હાથમાં તલવાર લઈને, શૌર્યથી જીતેલા પ્રદેશોને કાઠીઓ એ જ કાઠીયાવાડ કીધો. દીલની દાતારી અને દિલાવરીથી પ્રજાના દીલ પણ જીત્યા, મહેમાનગતી એ કાઠીઓનું અભિન્ન અંગ બની ગયેલ. એટલે જ તો કહેવાય છે.
    કાઠિયાવાડ માં કોક દિ ને ભૂલો પડ ભગવાન
    પછે થાજો મારો મેમાન, એ તને સરગે ય ભુલાવું શામળા
    1800 પાદરોના ધણી, કાઠીઓ માત્ર કુશળ યોદ્ધા જ નહિ પણ સારા રાજવીઓ પણ હતા અને અઢારે વર્ણો કાઠીને પ્રેમ કરતાં અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરતાં.
    15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગરના રાજવી શ્રી એ કાઠીયાવાડ સંયુક્ત રાજ્ય નામનો પ્રસ્તાવ આપેલો જે આગળ જતાં સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયો. લોકસાહી વ્યવસ્થાની સ્થાપના કરવામાં કાઠીયાવાડની ઓળખને નાબૂદ કરવાના ખુબ જ પ્રયત્નો થયા, તેમ છતાંય આજ સુધી સમગ્ર જન માનસમાં કાઠીયાવાડ શબ્દ દ્રઢ રીતે અકબંધ છે અને રહેશે.
    સૂર્યપૂજક કાઠી શૂરવીરોને વંદન
    ( આર્ટીકલ માહિતી સંદર્ભ - Praduman Khachar ડો. પ્રદ્યુમ્ન ખાચરના વિડીયો , અંગ્રેજી પુસ્તક 'The Outlaws of Kathiawar', તેમજ ઈન્ટરનેટના વિવિધ ઉપલબ્ધ સોર્સ માંથી માહિતી સંકલીત કરીને)
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023